AIIMS ના મહાનિર્દેશક ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ દેશવાસીઓને આપી ચેતવણી, આવશે કોરોનાનો પીક સમય

દિલ્હીઃ કોરોનાના આ સંક્રમણકાળમાં તમારા માટે સૌથી મહત્વનું તમારું સ્વાસ્થ્ય અને રોગ પ્રતિકારક શક્તિ છે. અત્યારે જે ઉદ્દેશ્યથી દુનિયા આ કોરોના રૂપી દુશ્મન સામે લડી રહી છે, તેને હરાવવા તમે માનસિક અને શારીરિક રૂપે મજબૂત હોય તે સૌથી વધારે જરૂરી છે.    
AIIMS ના મહાનિર્દેશક ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ તાજેતરમાં જ જણાવ્યું છે કે, કોરોનાનો પીક સમય અલગ-અલગ વિસ્તારમાં અલગ-અલગ રહેશે. દિલ્હી અને મુંબઈ જેવા વિસ્તારોમાં પીક અલગ સમયે આવશે, કદાચ કેટલીકવાર કોરોનાના કેસ ઘટે પણ ખરા, પરંતુ લૉકડાઉન ખૂલતાં ફરીથી સેકન્ડ વેવ આવી શકે છે. અમેરિકામાં આવું પહેલાં પણ થઈ ચૂક્યું છે.


હજી થોડા સમય સુધી કોરોનાના કેસ વધશે. અત્યારે સૌને મળીને કામ કરવાની જરૂર છે. અત્યારે તો સાચવવામાં આવે તો કેસ વધવાની સ્પીડમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે.


કોરોના પીક પર ક્યારે આવશે એ અંદાજો લગાવવો અત્યારે બહુ મુશ્કેલ છે, કારણકે અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ સમયે આવશે. પીક પર આવ્યા બાદ પણ ફરી આવી શકે છે. કોરોના આપણી સાથે મહિના, વર્ષો સુધી રહી શકે છે. આપણે સાથે બેસવા, કે ખાવામાં પણ સાવધાની રાખવાની જરૂર છે.

લોકો અનલૉક બાદ સાવધાની ઓછી રાખે છે, બજારમાં માસ્ક વગર નીકળી પડે છે, પરંતુ એ સમજવાની જરૂર છે કે, હવે આપણી જવાબદારી પહેલાં કરતાં વધી ગઈ છે. શહેરોની વાત કરવામાં આવે તો, એક સમય એવો આવશે કે, મોટાભાગના લોકોને ઇન્ફેક્શન થઈ ચૂક્યું હશે. ત્યારબાદ તેમની ઈમ્યૂનિટી વધી જશે અને ત્યારબાદ કેસ ઘટવાના શરૂ થઈ જશે. જો આખા દેશની વાત કરવામાં આવે તો, સાઉથમાં કેરલમાં કેસ ઘટ્યા છે.


લૉકડાઉનના 2 મહિના દરમિયાન આપણને કોરોના સામે લડવાની તૈયારી કરવાનો સમય મળ્યો. આ સમય દરમિયાન ડૉક્ટર્સને ટ્રેનિંગ આપવામાં આવી, વેબિનાર કરવામાં આવ્યા. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 1500 બેડ મૂકવામાં આવ્યા. દિલ્હીમાં તો 10000 બેડવાળું કૉરન્ટિન સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે. એટલે હવે બેડ ઓછા પડે તેવી શક્યતા ઓછી છે.

યૂરોપની સરખામણીમાં આપણા દેશના લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધુ છે, એટલે અહીં રિકવરી રેટ સારો છે. આપણે ઘરઘથ્થુ નુસખા પણ અપનાવીએ છીએ, તેનો પણ ફાયદો મળ્યો છે.


દેશમાં હજી કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થયું, પરંતુ આપણે ધ્યાન રાખવાનું છે, કારણકે આગળ જતાં થઈ શકે છે. ગમે ત્યારે આપણે તેનો શિકાર ન બનીએ એ માટે માસ્ક પહેરવો જોઇએ. ઘણીવાર રોજિંદી મજૂરી કરતા લોકો કે નોકરી કરતા લોકોને તાવનાં લક્ષણ દેખાય તો તેઓ પેરાસિટામોલ લઈને કામ ચલાવી લે છે. આવા કેસમાં સાવધાની રાખવાની જરૂર છે. તમે સાવધાની રાખશો તો પરિવાર અને સ્ટાફના સભ્યોને બચાવી સકશો.

વેક્સિન 15 ઑગષ્ટ સુધી બનવી તો બહુ મુશ્કેલ છે. પહેલાં તેનો ટેસ્ટ કરવાનો રહેશે. પહેલાં પણ ઘણી વેક્સિન આવી, જેનાથી શરીરમાં એન્ટીબૉડી બનવાથી વધારે નુકસાન થયું. એટલે સાવધાની રાખવાની જરૂર છે. એક ચરણ પાર કર્યા બાદ બીજું ચરણ અને પછી આપણે વેક્સિનના જથ્થાબંધ ઉત્પાદન તરફ આગળ વધી શકીએ છીએ.

અત્યારે સ્વાસ્થ્યકર્મીઓને હાઇડ્રોક્સીક્લોરોક્વીન આપવામાં આવે છે, જેનાથી ફાયદો પણ થઈ રહ્યો છે. પરંતુ બાકીની દવાઓ ખાસ કારગર નથી લગતી.
બની શકે કે, ભારત જ સૌથી પહેલાં કોરોનાની રસી લાવે. ભારતમાં ઘણી કંપનીઓ કામ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય કંપનીઓના સહયોગથી પણ કામ ચાલી રહ્યું છે. કોરોના ક્યાં સુધી જશે એ કહેવું હજી મુશ્કેલ છે.

Leave a Reply