કબજિયાત, ખાટ્ટા ઓડકાર, એસીડીટી અને બાળકોની કરમિયાંની સમસ્યા દૂર કરશે રસોડાની આ વસ્તુ

અમદાવાદઃ ભારતીય ખાનપાનમાં સદીઓથી હિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક પ્રકારની આયુર્વેદિક ઔષધિ પણ છે, જેના ગુણોના આધારે તેને રેચક પ્રકૃતિની માનવામાં આવે છે. આયુર્વેદમાં રેચક એ ખાદ્ય પદાર્થોને કહેવામાં આવે છે, જે આપણા પાચનતંત્ર અને મળમાર્ગને સાફ કરે અને મળ કાઢવાની ક્રિયામાં સુધારો કરવાનું કામ કરે.


આ સમસ્યાઓમાંથી અપાવે છે મુક્તિ
રોજિંદા ભોજનમાં હીંગનું સેવન કરતા લોકોને પેટ ફૂલવાની સમસ્યા નથી રહેતી.


નિયમિત ભોજન બનાવવામાં હિંગનો ઉપયોગ કરવામાં આવે અને તેનું સેવન કરવામાં આવે તો પેટમાં ગેસ અને અપચાની સમસ્યા નથી રહેતી. જે છોકરીઓ અને મહિલાઓને માસિક ધર્મ દરમિયાન વધારે દુખાવા અને મરોડની સમસ્યા રહેતી હોય, તેમણે નિયમિત હીંગનું સેવન કરવું જોઇએ.


બાળકો માટે ખાસ ફાયદાકારક
બાળકોના પેટમાં કરમિયાં પડવાની સમસ્યા બહુ સામાન્ય છે. જોકે આ સમસ્યા કોઇપણ ઉંમરની વ્યક્તિમાં થઈ શકે છે, પરંતુ બાળકોમાં સૌથી વધુ જોવા મળે છે.


બાળકો માટે કોઇપણ વાનગી બનાવો ત્યારે તેમાં થોડી હીંગનો ઉપયોગ ચોક્કસથી કરો. તેનાથી બે ફાયદા થશે. પહેલો બાળકનું પેટ સાફ થશે અને તેની ઊંચાઇ પણ સારી વધશે.


સાથે-સાથે બાળક મોટું થશે ત્યારે તેને હીંગનો ટેસ્ટ અજીબ નહીં લાગે. તે તેના રોજિંદા ડાયટમાં તેનો ઉપયોગ કરી સકશે અને જીવનભર બીમારીઓ સામે બચી સકશે.

કાનના દુખાવાથી છૂટકારો અપાવે
જો અચાનક કોઇને કાનમાં દુખાવો થાય તો, હીંગ એક પેનકિલરની જેમ બહુ જલદી રાહત આપી શકે છે. આ માટે એક નાની વાટકીમાં એક ચમચી કોપરેલ ગરમ કરો અને તેમાં હીંગનો નાનકડો ટુકડો ઓગળવા દો.


હીંગ અને કોપરેલ બરાબર મિક્સ થઈ જાય એટલે આ મિશ્રણનાં કાનમાં ટીંપાં પાડો. ધ્યાન રાખવું, કોપરેલ વધારે ગરમ ન હોય. કોપરેલ મસલ્સને રિલેક્સ કરવાનું કામ કરે છે તો હીંગ દુખાવો, બળતરા અને સોજો મટાડે છે.


પેટનો દુખાવો દૂર કરે
જો અચાનક પેટમાં દુખાવો થાય અને તમારી પાસે કોઇ દવા ન હોય તો, હીંગ એક દુખાવો મટાડતી ઔષધિ તરીકે જ કામ કરી શકે છે.


બે ચપટી હીંગ લઈ તેને અડધી ચમચી પાણીમાં મિક્સ કરી દો. હવે રૂના પૂમડાને આ હીંગમાં બોળી નાભિમાં મૂકો અને આડા પડી જાઓ. ત્યારબાદ તેનું થોડું પાણી હળવા હાથે આખા પેટ પર લગાવો. માત્ર 5 થી 10 જ મિનિટમાં તમને રાહત મળી જશે.

Leave a Reply