ગરીબોની બદામ ગણાતી મગફળી ઘટાડે છે વજન, પણ આ રીતે ખાવાથી જ મળશે ફાયદો

અમદાવાદઃ મગફળી દુનિયાભરમાં એક જાણીતો ખાદ્યપદાર્થ છે. ભારતમાં તો કેટલાક લોકો તેને ગરીબોની બદામ તરીકે પણ ઓળખે છે. તો બિહારના કેટલાક વિસ્તારમાં મગફળીને ચિનિયા બદામ તરીકે ઓળખવામાં આવે છે. હાઇ પ્રોટીન અને હાઇ ફેટના કારણે મગફળીનું સેવન ખૂબજ હેલ્ધી ગણાય છે. મગફળી શેકીને, તળીને, પલાળીને, બાફીને, વિવિધ વાનગીઓમાં નાખીને, શાકમાં ગ્રેવી માટે વગેરે રીતે અનેક રીતે ઉપયોગમાં લેવામાં આવે છે.

મગફળીમાં પ્રોટીન ભરપૂર હોવાથી તેનો ઉપયોગ બોડી બ્લિડિંગ માટે પણ કરવામાં આવે છે. ઘણા લોકો એમ પણ માને છે કે, મગફળીના સેવનથી વજન ઝડપથી ઘટે છે, તો વિજ્ઞાન અનુસાર આ વાત સાચી પણ છે. પરંતુ વજન ઘટાડવા માટે યોગ્ય રીતે મગફળીનું સેવન કરવું જોઇએ. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, વજન ઘટાડવા કેવી રીતે ઉપયોગી છે મગફળી અને તેનું કેવી રીતે સેવન કરવું.


મગફળી પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે
મગફળીમાં સિંપલ કાર્બ્સ હોય છે. આ સિવાય મગફળીમાં પ્રોટીન અને ફાઇબરની માત્રા સારી હોય છે, જે હેલ્ધી ફેટનો સારો સ્ત્રોત છે. એટલે તમે જ્યારે પણ મગફળી ખાઓ, તેના પાચનમાં થોડો સમય લાગે છે. એટલે લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને જલદી ભૂખ નથી લાગતી. મગફળીને ખાતી વખતે વધુ ચાવવાની જરૂર પડે છે, એટલે મનોવૈજ્ઞાનિક રીતે પણ ભૂખ સંતોષે છે.


મગફળીમાં હોય છે હેલ્ધી ફેટ, જે વજન નથી વધારતું
મગફળીમાં ફેટ તો ચોક્કસથી હોય છે, પરંતુ તે હેલ્ધી ફેટ હોય છે. એટલે કે મગફળીમાં મોનોસેચુરેટેડ ફેટી એસિડ્સ અને પોલીસેચુરેટેડ ફેટી એસિડ્સ હોય છે. આ જ કારણે જો કોઇનું શરીર દૂબળું-પાતળું અને નબળું હોય તો, મગફળી મસલ્સ બનાવવામાં મદદ કરે છે. આ સિવાય હેલ્ધી ફેટના કારણે મગફળી ખાવાથી ઈંફ્લેમેશન પણ નથી થતું અને ડાયાબિટીઝ, હાર્ટ અટેક જેવી બીમારીઓ પણ નથી થતી.


મળે છે ઓછી કેલરીઝ
આમ તો મગફળીમાં કેલરીઝ વધુ હોય છે, પરંતુ એ જાણીને તમને આશ્ચર્ય થશે કે, તેને ખાધા બાદ શરીરને વધુ કેલરી નથી મળતી. આપણે મગફળી ખાઇએ ત્યારે દાંત તેના નાના-નાના ટુકડા કરે છે. એટલે આપ્ણે જેટલી પણ મગફળી ખાઇએ તેમાંથી આપણું પેટ બધી મગફળી પચાવી શકતું નથી. મગફળીનો કેટલોક ભાગ તો સીધો જ મળ બની જાય છે. એટલે તમે વધારે મગફળી ખાઇ જશો તો પેટ તો ભરેલું રહેશે, પરંતુ વધારે કેલરી નહીં મળે.


પા કપ છોતરાં વગરની મગફળી એટલે કે લગભગ 150 ગ્રામમાં 207 કેલરી હોય છે. જો પેટ તેમાંથી 50 થી 75 ટકા મગફળી પચાવે તો, તેમાંથી તમને 104 થી 155 સુધી જ કેલરીઝ મળશે, જે બહુ ઓછી છે, એટલે તમે બે મુઠ્ઠી સુધી મગફળી આરામથી ખાઇ શકો છો.


કેવી મગફળી ખાવી વજન ઘટાડવામાં ફાયદાકારક?
વજન ઘટાડવા માટે રેતમાં શેકેલી સાદી મગફળી ખાવી સૌથી વધુ ફાયદાકારક છે. અથવા તેનાં છોતરાં સાથે શેકેલી મગફળીને તોડીને ખાવી હેલ્ધી છે. ખાસ ધ્યાન રાખવું કે, મગફળીની ઉપનાં લાલ ફોતરાં કાઢીને ખાવાથી ફાયદો ઓછો મળે છે. મગફળીની ઉપરનાં આ ફોતરાંમાં ભરપૂર એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે. જે શરીર માટે હેલ્ધી છે.


તેલમાં તળેલી, કે ફ્લેવર મસાલાઓ સાથે ફ્રાય કરેલ મગફળી ન ખાવી જોઇએ, કારણકે તેમાં કેલરીઝ વધુ હોય છે અને મીઠું અને બીજાં કેમિકલ્સ પણ બહુ વધુ હોય છે.


બાફેલી મગફળીમાં શેકેલી મગફળીની સરખામણીમાં કેલરીઝ ઓછી હોય છે, એટલે મગફળીને બાફીને પણ ખાઇ શકાય છે, લગભગ 150 ગ્રામ બાફેલી મગફળીમાં 116 કેલરીઝ હોય છે, જ્યારે એટલીજ શેકેલી મગફળીમાં 214 કેલરીઝ હોય છે. પરંતુ શેકેલી મગફળી પેટને એટલી સારી રીતે નથી ભરતી.

Leave a Reply