વાળને ખરતા બંધ કરી બનાવશે શાઇની અને ચમકદાર, ધોવામાં શેમ્પૂની જગ્યાએ ઉપયોગ કરો આ વસ્તુનો

અમદાવાદઃ કહેવાય છે કે, દિવસભરમાં 50 થી 100 વાળ તૂટે તો ચિંતાની કોઇ વાત નથી, કારણકે આ એકદમ સામાન્ય છે. પરંતુ વરસાદની ઋતુમાં વાળ ખરવાની સંખ્યા વધી જાય છે. જો તમને વાળ ઘરમાં જ્યાં-ત્યાં પડેલા દેખાવા લાગે અને માથામાં કાંસકો ફેરવો એટલે એકસાથે ઘણા વાળ હાથમાં આવવા લાગે તો તેના અંગે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે.


કેટલીક બાબતોમાં તમે કેટલાક ઘરઘથ્થુ નુસખા અજમાવીને પણ વાળની સંભાળ રાખી શકો છો. આજે અમે તમને છાસ અને દહીંના ઉપયોગથી વાળ ખરતા રોકવાના ઉપાય જણાવશું તમને. દહીંમાં પ્રોટીનની માત્રા ભરપૂર હોય છે, જેનાથી વાળ ધોવાથી વાળ સિલ્કી અને શાઇની બને છે. અહીં જુઓ દહીં કે છાસને વાળમાં કેવી રીતે લાગાવવું.


કેવી રીતે કરે છે કામ
છાસમાં લેક્ટિક એસિડ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વિટામિન એ, ડી અને બી-12, કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. તેને વાળમાં લગાવવાથી માથામાં ખંજવાળ આવતી બંધ થાય છે. વાળ મજબૂત બને છે અને નવા વાળનો વિકાસ ઝડપી થાય છે, વાળ ભરાવદાર અને શાઇની બને છે.


ખંજવાળ અને ખોડો મટાડવા માટે
ખાટી છાસમાં લીંબુનો રસ મિક્સ કરી 15 મિનિટ માથામાં માલિશ કરો, ત્યારબાદ નવશેકા પાણીથી ધોઇ દો. આનાથી માથાની ખંજવાળ અને ખોડો દૂર થાય છે. ખોડા માટે તમે વિનેગર કે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો.


સફેદ વાળની સમસ્યા દૂર કરવા
7-8 મીઠા લીમડાનાં પાન લઈ તેને પીસી લો. ત્યારબાદ અંદર જરૂર મુજબ છાસ મિક્સ કરી હેર પેક બનાવો અને આ હેરપેક માથાનાં મૂળ સહિત બધા જ વાળમાં લગાવો. ત્યારબાદ 30 મિનિટ સુધી એમજ રહેવા દો અને પછી શેમ્પૂથી ધોઇ દો. આવું અઠવાડિયામાં બેથી ત્રણવાર કરવાથી વાળ ખીલી ઊઠશે અને નવેસરથી કાળા પણ બનવા લાગશે.


વાળને ખરતા રોકવા માટે
વાળ માટે હેરમાસ્ક બનાવવા માટે એક કપ છાસ લો, અંદર અડધું પાકું કેળું બરાબર મિક્સ કરો. ત્યારબાદ અંદર પાંચ ટપકાં ઓલિવ ઓઇલ, એક ચમચી મધ અને એક ઈંડાની સફેદી મિક્સ કરો. હવે આ હેર માસ્કને વાળમાં લગાવી 30 મિનિટ સુધી આમજ રહેવા દો. ત્યારબાદ શેમ્પૂથી ધોઇ લો.

Leave a Reply