આજે ભાવે ભજી લો કનૈયાને, વર્ષો બાદ જન્માષ્ટમીએ તિથિ, નક્ષત્ર અને બૃહસ્પતિ ગ્રહનો અદભૂત યોગ

અમદાવાદઃ આજે સમગ્ર દેશમાં કૃષ્ણજન્મોત્સવની ઉજવણી થઇ રહી છે. આ વર્ષની જન્માષ્ટમી ખુબજ ખાસ છે આ વખતે જન્માષ્ટમીએ તિથિ, નક્ષત્ર અને ગુરુ ગ્રહનો અદભૂત યોગ રચાઇ રહ્યો છે. આ યોગ 60 વર્ષ પછી જન્માષ્ટમીએ આવ્યો હોવાથી અદભૂત યોગ બન્યો છે. આ વર્ષે 60 વર્ષ પછી ભરણી નક્ષત્ર, કૃત્તિકા નક્ષત્ર અને આઠમ તિથિ સાથે ધન રાશિના ગુરુ ગ્રહનો યોગ બની રહ્યો છે.

શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો આ નક્ષત્રમાં
દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણનો અવતાર શ્રાવણ મહિનાના વદ પક્ષની આઠમ તિથિએ થયો હતો. તે સમયે ચંદ્ર ઉચ્ચ રાશિ વૃષભમાં હતો. તે દિવસે બુધવાર અને રોહિણી નક્ષત્ર હતું. આ વર્ષે જન્માષ્ટમીએ આવો સંયોગ બની રહ્યો નથી. રોહિણી નક્ષત્ર 11 અને 12 ઓગસ્ટના રોજ રહેશે નહીં. આ નક્ષત્ર 13 ઓગસ્ટના રોજ રહેશે.

જન્માષ્ટમીએ તિથિ, તારીખ અને નક્ષત્રનો અદભૂત યોગ
આ વર્ષે 11 અને 12 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે, પરંતુ આ બંને તારીખે રાતે રોહિણી નક્ષત્ર રહેશે નહીં. આ સમયે ગુરુ પોતાની જ રાશિ ધનમાં સ્થિત છે. 11 ઓગસ્ટની રાતે 12 વાગ્યે ભરણી નક્ષત્ર અને 12 ઓગસ્ટની રાતે 12 વાગ્યે કૃત્તિકા નક્ષત્ર રહેશે. આવો યોગ 60 વર્ષ પહેલાં 13 અને 14 ઓગસ્ટ 1960ના રોજ બન્યો હતો. તે વર્ષે પણ ગુરુ ધન રાશિમાં હતો. 13 ઓગસ્ટની રાતે ભરણી અને 14 ઓગસ્ટની રાતે કૃત્તિકા નક્ષત્ર હતું અને જન્માષ્ટમી ઉજવવામાં આવી હતી.

જોકે, જન્માષ્ટમી તિથિ પ્રમાણે ઉજવવાની પરંપરા છે. આ વર્ષે 12 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે. આ યોગમાં પૂજા-પાઠ કરવાથી જલ્દી જ શુભફળ મળી શકે છે. જન્માષ્ટમીએ આ વખતે બુદ્ધાદિત્ય યોગ હોવાથી શુભ ફળ આપશે. તો તમે પણ કનૈયાની ભક્તિમાં થઈ જાઓ ગુલતાન. મેળવી લો પ્રભુની કૃપા.

Leave a Reply