કોરોનાના કહેર વચ્ચે ટાટા જૂથને મળી અપાર સફળતા, તૈયાર કરી વિશ્વસનીય ટેસ્ટ કીટ

કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે દુનિયાભરના વૈજ્ઞાનિક, ડોક્ટર્સ, ફાર્મા કંપનીઓ રાત દિવસ કોરોના સામે લડવા માટે નવી-નવી શોધ કરવામાં લાગ્યા છે. ત્યારે હવે દેશનું જાણીતું બિઝનેસ જૂથ ટાટા ગ્રુપ(Tata Group) પણ હવે આ રેસમાં શામેલ થયું છે. માહિતી મુજબ ટાટા ગ્રુપે કોવિડ 19 ટેસ્ટ કીટ બનાવી લીધી છે.

મીડિયા રિપોર્ટ મુજબ કંપનીએ ક્લસ્ટર રેગ્યુલરલી ઇન્ટરસ્પેસ્ડ શોર્ટ પેલિનડ્રોમિક રિપીટ્સ કોરોના વાયરલ ટેસ્ટ(CRISPR Corona Test) ને સીએસઆઈઆર-ઇન્સ્ટીટ્યૂટ ઓફ જેનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી(CSIR-IGIB) સાથે મળીને તૈયાર કર્યો છે. સારા સમાચાર એ છે કે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા(DCGI) એ કોરોના વાયરસની તપાસમાં ટાટાના નવા કોવિડ-19 ટેસ્ટ‘Feluda’ને જાહેર ઉપયોગની મંજૂરી આપી છે.

રિપોર્ટ પ્રમાણે ટાટા જૂથે જણાવ્યું કે સીઆરઆઈએસપીઆર કોરોના ટેસ્ટ સૌથી વિશ્વસનીય મનાતા આરટી-પીસીઆર(RT-PCR) ટેસ્ટની સરખામણીએ સચોટ પરિણામો આપશે. સાથે આમાં સમય અને કિંમત બંનેનો ખર્ચ ઓછો થશે. આ ટેસ્ટ SARS-CoV-2 વાયરસના જેનોમિક સીક્વેન્સની ઓળખ કરવા માટે સ્વદેશી સીઆરઆઈએસપીઆર તકનીકનો ઉપયોગ કરે છે.

ભવિષ્યમાં આ તકનીકનો ઉપયોગ અન્ય મહામારીઓના ટેસ્ટ માટે પણ કરવામાં આવી શકશે. કંપનીએ કહ્યું કે ટાટા સીઆરઆઈએસપીઆર ટેસ્ટ સીએએસ-9 પ્રોટીનનો ઉપયોગ કરનાર દુનિયાનો પહેલો એવો ટેસ્ટ છે. જે સફળતાપૂર્વક કોવિડ-19 મહામારી ફેલાવવાવાળા વાયરસની ઓળખ કરી લે છે. કંપનીએ જણાવ્યું કે આ ટેસ્ટને 100 દિવસથી પણ ઓછા સમયમાં તૈયાર કરવામાં આવ્યો છે.

Leave a Reply